Pages

Monday, March 28, 2011

પ્રેમ પર ધંધાની અસર

પ્રેમ ના કારણે ધંધા પર થયેલી લાગણી નું વર્ણન જનાબ સ્પર્શ સાહેબે સરળ અને વિશાળ શૈલી માં રજુ કરે છે.

[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
'લ્યો લપસજો' કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

[6] પાયલોટ

રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે
તારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે
જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો
સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.

[7] દરજી

ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?
પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું
આમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહે
પારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !

[8] પોલીસ

હથકડી હૈયાની નહીં તૂટી શકે !
મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !
તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં –
પણ વગર હપ્તે નહીં છૂટી શકે !

[9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી

ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કર
તન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કર
પ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈં
તુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !

[10] દૂરદર્શનનો ઉદ્દઘોષક

પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપર
હે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપર
ખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શને
એક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

[11] ક્રિકેટર

છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છે
ડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે
થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છે
આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે ?

-અંકિત બ્રહ્મભટ્ટ.